શ્રી મહાપ્રભુજીના બેઠકજી નાગમતી નદીના કાંઠે બિરાજે છે. શ્રી મહાપ્રભુજીની સાથે અહીં શ્રી ગુંસાઈજીના બેઠકજી પણ બિરાજે છે.
શ્રી મહાપ્રભુજી અહીં આવ્યા ત્યારે આ મોટું શહેર નહોતું. શ્રી મહાપ્રભુજી અહીં છોંકરના ઝાડ નીચે નાગમતી નદીના કાંઠે બિરાજ્યા હતા. આપશ્રીએ અહીં શ્રીમદ્દ ભાગવત પારાયણ પણ કર્યું હતું. શ્રી મહાપ્રભુજીના આગમનની વાત સાંભળીને આ પ્રદેશનો રાજા જામ તમાચિ આપશ્રીના દર્શન કરવા આવ્યો હતો. રાજાએ કહ્યું, “મહારાજ, મારુ અહોભાગ્ય છે કે મને આજે આપના દર્શન થયાં છે. આપણા દર્શન માત્રથી મારી બુદ્ધિ નિર્મળ થઇ ગઈ. આપના ચરણના સ્પર્શથી આ ધરતી પવિત્ર થઇ છે. માટે, કૃપા કરીને મને શરણે લો.” શ્રી મહાપ્રભુજીએ તેમને શરણે લીધા.
રાજાએ શ્રી મહાપ્રભુજીને અહીં એક શહેર વિકસાવવાની ઇચ્છા વ્યક્ત કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેના માટેનું ઉત્તમ મુર્હુત આજે જ છે, માટે વિલંબ કર્યા વગર ખાતમુર્હુત કરો.
અહીં શહેરમાં ગો. શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીની મોટી હવેલી આવેલી છે, જેમાં શ્રી ગદાધરદાસના સેવ્ય શ્રી મદનમોહનજી બિરાજે છે. શ્રી મદનમોહનજી તરીકે ભગવાનનું આ સ્વરૂપ ખૂબ જ વિશિષ્ટ છે. ગદાધરદાસજીને એક સમયે ભોગ ધરવા ઘરમાં કશું ન હોવાથી જલની લોટી આખો દિવસ ધરવી પડેલી. રાત્રે આ વાતનું તેમને ખુબ દુઃખ થયેલું. પરંતુ, શ્રી મદનમોહનજીની કૃપાથી તેમને મળવા આવેલા મહેમાને દક્ષિણાના રૂપમાં કેટલાક સોનાના સિક્કા આપ્યા. તરત જ, શ્રી ગદાધરદાસ બજારમાં દોડી આવ્યા અને તાજી જલેબી લઇ આવ્યા અને પછી ઠાકોરજીને ભોગ ધર્યો. પ્રભુ પણ તેમના આ ભાવથી અતિ પ્રસન્ન થઈને ચાર ભુજાઓ કરી ભોગ આરોગેલા. તે દિવસથી ભગવાનનું આ સ્વરૂપ ચતુર્ભુજ છે.