મોરબી

    બેઠકજી મચ્છુ નદીના કાંઠે આવેલા છે.

    આ બેઠકજીનો એક રસિક ઇતિહાસ છે. ઈ.સ. 1788 માં (વિક્રમ સંવંત 1845), ગો. શ્રી બચ્છા મહારાજ શ્રી રુકમણી વહુજી સાથે ગોંડલમાં પધારેલ ત્યારે પ્રગટ થનાર લાલને સ્વપ્નમાં મોરબી પધારવા આજ્ઞા કરી. મોરબીમાં લાલનનું પ્રાક્ટ્ય થયું. તેમનું નામ શ્રી જીવણજી રાખ્યું. સવા મહિનાના લાલને માતાને રથ જોડવા આજ્ઞા કરી. હાંકનાર વગર રથ ચાલ્યો. જે સ્થાને આ રથ અટક્યો, ત્યાં આ બેઠકજી પ્રગટ થયેલા. શ્રી મહાપ્રભુજીના બેઠકજીઓ પૈકી કેટલાક બેઠકજી આપશ્રીના સમયથી જ પ્રસિદ્ધ છે. મોરબી જેવા અન્ય બેઠકજી પાછળથી શ્રીકૃષ્ણની કૃપાથી આ પ્રમાણે પ્રગટ થયા છે.

    શ્રી મહાપ્રભુજી મોરબી પહોંચ્યા અને થોડા દિવસ નદીના કિનારે રહ્યા. તેમણે શ્રી કૃષ્ણદાસ મેઘનને કહ્યું, “અતિ પ્રાચીન સમયમાં, આ શહેર મયુરધ્વજ નામના રાજાએ વસાવેલું હોવાથી તેના નામ પરથી શહેરનું નામ પડ્યું છે. આ રાજા અતિ સત્યવાદી હતો તેમજ ભગવદ્દ ભક્ત પણ હતો. આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે આવ્યા હતા. તેથી, આવા પવિત્ર સ્થળે આપણે અવશ્ય શ્રી ભાગવત સપ્તાહ કરીશું. ”

    તેમના રોકાણ દરમિયાન, આ ગામમાં બાલા અને બાદા નામના બે પુષ્કર બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. તેઓ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા. તે બંને લીલાના દૈવી જીવો હોવાથી શ્રી મહાપ્રભુજીએ તેમને સાક્ષાત પુર્ણ પુરુષોત્તમ સ્વરૂપ દર્શન આપ્યા. દર્શન પામતા જ તેમની એકાદશ ઇન્દ્રિયો નિર્મળ થઇ ગઈ. તેઓએ કહ્યું, “મહારાજ, અમે પામર જીવો ઘણા સમયથી આ ભવસાગરમાં ભટકીએ છીએ. આપ કૃપા કરીને, અમારો ઉદ્ધાર કરો.” શ્રી મહાપ્રભુજીએ આ સાંભળીને તેમને સ્નાન કરવાની આજ્ઞા કરી અને  ‘નામનિવેદન મંત્ર ’ આપીને તેમને પોતાના સેવક કર્યા. શ્રી મહાપ્રભુજીએ તેમના બંને નામો અનુક્રમે બાલા અને બાદા બદલીને શ્રી બાલકૃષ્ણદાસ અને શ્રી બાદરાયણદાસ રાખ્યા. તેમની વાર્તા ‘84 વૈષ્ણવોની વાર્તા’ પુસ્તકમાં જાણીતી છે. શ્રી મહાપ્રભુજીએ તેમને પુષ્ટિમાર્ગના સર્વ ગ્રંથો શીખવ્યા. તેઓએ આપશ્રીને સેવા પધરાવી આપવા વિનંતી કરી અને શ્રી મહાપ્રભુજીએ તેમને શ્રી બાલકૃષ્ણલાલજીની સેવા પધરાવી આપી.

    આ પ્રસંગ આપણને દૈવી જીવોના વિવિધ સ્વરૂપો વિશે સમજ આપે છે. શ્રી મહાપ્રભુજીથી લઈને અત્યાર સુધીના ગોસ્વામી બાલકોએ અનેક દૈવી જીવોને શરણે લીધા છે. શ્રી લાલુ ભટ્ટજીએ ‘સિદ્ધાંત રહસ્યગ્રંથ પરની પોતાની ટીકામાં દૈવી જીવના પ્રકારો વિશે આપણને સમજાવ્યું છે કે, દૈવી જીવ ત્રણ પ્રકારનાં છે:

    • ઉત્તમ પ્રકાર
    • મધ્યમ પ્રકાર
    • હીન પ્રકાર

    શ્રી મહાપ્રભુજીએ ‘નવરત્નપુસ્તકમાં આ ત્રણેય પ્રકારનાં જીવન વિશે સમજાવ્યું છે. પ્રથમ પ્રયાસમાં અલૌકિક સ્વરૂપોના (ભગવાન) દર્શન કરી શકે તેવા જીવ ઉત્તમ પ્રકારના દૈવી જીવ. જે જીવો શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રચર્ચા કરવા આવ્યા અને શાસ્ત્રચર્ચાના જ્ઞાન દ્વારા જેઓ શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપને સમજી શક્યાં અને તેમના શરણે આવ્યા, તેઓ મધ્યમ પ્રકારના જીવો (જ્ઞાનાત). જે જીવો વંશપરંપરાગતના વૈષ્ણવ સંસ્કારથી કોઈપણ પ્રકારના સ્વરૂપની સમજ વગર ગતાનુગતિક રીતે શરણે આવ્યા તેઓ હીન જીવો (અજ્ઞાનાત). પરંતુ, આ ત્રણેય પ્રકારના જીવોનો અંગીકાર શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રભુએ કર્યો છે.

    ઈ.સ. 1979 માં, મચ્છુ ડેમ તૂટ્યો અને બેઠકજી અને તેની આસપાસની 30-40 કિલોમીટર જમીનમાં પ્રલયકારી પાણીનો પ્રવાહ ફરી વળ્યો. ‘શ્રી વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટ’ રચિત ‘શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંકટ સહાય સમિતિની સહાયથી વિવિધ ગોસ્વામી બાલકો અને સૌરાષ્ટ્રના વૈષ્ણવો દ્વારા ક્ષતિગ્રસ્ત બેઠકજીનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. બધી જ નવી સુવિધાઓ સાથે સંપૂર્ણ બેઠકજીનું નવનિર્માણ કરવામાં આવ્યું.



This page was last updated on 04 માર્ચ 2020.