શ્રી મહાપ્રભુજી ડાંગના જંગલોમાં થઈને દક્ષિણ-પૂર્વ તરફ પ્રવાસ કરીને વ્યાપારી શહેર તરીકે જાણીતા સુરત શહેરમાં પધાર્યા.
અહીં તેમણે દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી, “દમલા, ગુજરાતમાં અનેક દૈવી જીવ છે. તે સૌનો ઉદ્ધાર કરવાનો છે. પરંતુ આ એક જ તીર્થયાત્રામાં આટલા બધા જીવનો ઉદ્ધાર કરવો શક્ય નથી. તેથી આપણે ત્રણેય પૃથ્વી-પ્રદક્ષિણા વખતે અહીંયા આવીશું અને સૌ દૈવી જીવોનો ઉદ્ધાર કરીશું. ”
શ્રી મહાપ્રભુજી તાપી નદીના કાંઠે અશ્વિનીકુમાર ઘાટ પાસે બિરાજ્યા હતા. એવું કહેવામાં આવે છે કે તાપી નદી શ્રી યમુના નદીની બહેન છે.
શ્રી મહાપ્રભુજીએ અહીં શ્રી ભાગવત પુરાણનો પાઠ કર્યો. જ્યારે તેઓ પારાયણ કરી રહ્યા હતા, ત્યારે એક 16 વર્ષીય સુંદરી, તાપી નદીમાં સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરી, આપશ્રીની સન્મુખ આવી. તે શ્રી મહાપ્રભુજીની ડાબી બાજુએ ઉભી રહી, પંખાની સેવા કરવા લાગી. આમ, તે નિયમિત પંખાની સેવા કરવા આવે અને પારાયણ પુરી થતા પાછી જાય. આમ સાત દિવસ સેવા કરતા કરતા તેણે પારાયણનું શ્રવણ કર્યું. સાતમા દિવસે પારાયણની પુર્ણાહુતી પછી, શ્રી મહાપ્રભુજીને દંડવત કરી, તે સ્ત્રી ચાલી ગઈ.
શ્રી કૃષ્ણદાસ મેઘને આ છોકરીની શોધ કરી, પણ તેને શોધી શક્ય નહિ. આ જોઈને તેમણે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું, “કૃપાનાથ, આ છોકરી એક અસાધારણ માનવી લાગે છે. કૃપા કરીને મને તેના વિશે કહો.” શ્રી મહાપ્રભુજીએ હસીને જવાબ આપ્યો,“ તે શ્રી તાપીજી હતા. તે સૂર્યની પુત્રી છે અને તેથી તે શ્રી યમુનાજીની બહેન છે. શ્રી ભાગવત પારાયણ સાંભળવાની તેમની ઇચ્છા હતી. તેથી અહીં દરરોજ આવવા માટે એક સ્ત્રીનું રૂપ લીધું હતું.”